રેલવે રિઝર્વેશન સરળ બનાવતી સાઇટ્સ


આપણા દેશમાં રેલવેમાં હંમેશા ભીડ રહે છે. રેલવે રિઝર્વેશનમાં લોકોને પડતી અગવડમાં ઘણી કંપનીઓને આવકની તક દેખાય છે, પરિણામે તેમણે આપણી તકલીફો ઓછી કરતી સર્વિસીઝ વિક્સાવી છે.

આગળ શું વાંચશો?

ટિકિટ કન્ફર્મ ન થાય તો...
સામાન્ય રીતે, ફેબ્રુઆરી મહિનો આવતાં જ મોટા ભાગના પરિવારોમાં ત્રણ પ્રકારનાં ટેન્શન વતર્વા લાગે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા નજીક દેખાય, ઘરમાં આવક લાવતા સભ્યોને ઇન્કમટેક્સ બચાવવાની ચિંતા થાય અને સાથોસાથ રજાઓમાં ધારી જગ્યાએ પ્રવાસે જવા માટે રેલવેમાં ટ્રેનનું રિઝર્વેશન મળશે કે નહીં એની ચિંતા સૌ કોઈને થવા લાગે!

આપણા દેશમાં, રેલવેમાં રિઝર્વેશન મેળવવું એ મોટી કવાયત છે ત્યારે, આ કામ થોડું સહેલું બનાવતી જુદી જુદી વેબસર્વિસ પણ બનવા લાગી છે, આવો જાણીએ.

http://ticketdate.in


અગાઉથી રેલવે રિઝર્વેશન મેળવવાનું સૌથી પહેલું પગલું એ જાણવાનું છે કે આપણે નક્કી કરેલી તારીખ માટે બુકિંગ ક્યારથી શરૂ‚ થશે. રેલવે સામાન્ય રીતે ૧૨૦ દિવસ પહેલાં બુકિંગ થઈ શકે છે, એ મુદ્દાને ધ્યાને રાખીને આ વેબસાઇટ આપણી મદદ કરે છે. તમે આ સાઇટ પર જશો એટલે સૌથી ઉપર જાણવા મળશે કે આજની તારીખે, તમે છેલ્લામાં છેલ્લા કયા દિવસ સુધીની મુસાફરી માટે બુકિંગ કરાવી શકો છો.

તેની નીચે, ડેટ ઓફ જર્ની આપીને, એ ચોક્કસ તારીખ માટે ક્યારથી બુકિંગ શરૂ‚ થશે અથવા કઈ તારીખથી બુકિંગ શરૂ‚ થઈ ગયું છે એ જાણી શકાય છે. આ તારીખને તમે તમારા એપલ, ગૂગલ, આઉટલૂક કે યાહૂ કેલેન્ડરમાં ઉમેરી દો અને એ તારીખે કેલેન્ડર તમને યાદ અપાવે કે આજથી બુકિંગ શરૂ‚ થવાનું છે, એવી સગવડ પણ છે.

એટલું ખાસ નોંધશો કે આ પ્રકારની સર્વિસ જાહેરાતમાંથી જ આવક મેળવતી હોવાથી, તેના પરની જાહેરાતો જરા ગૂંચવાડો ઊભો કરે છે.

www.bookmytrain.com


ઓનલાઇન રેલવે રિઝર્વેશન કરાવવા આડેનો એક સૌથી મોટો અવરોધ છે - ઓનલાઇન પેમેન્ટ! ભારતમાં ઓનલાઇન શોપિંગ ઘણું બધું વધ્યું છે, પણ તેમાં કેશ-ઓન-ડિલિવરી (સીઓડી)ના વિકલ્પે મોટો ભાગ ભજવ્યો છે. ગયા વર્ષ સુધી ઓનલાઇન રેલવે રિઝર્વેશન કરાવતી વખતે ક્રેડિટ-ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ જેવા વિકલ્પોથી ઓનલાઇન પેમેન્ટ કરવું પડતું હતું, સીઓડીનો વિકલ્પ નહોતો. ભારતમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અન્ય દેશોની સરખામણીમાં ઘણો મર્યિદિત છે અને ઓનલાઇન પેમેન્ટ જ લોકો ઓછું પસંદ કરે છે, એ ધ્યાને લઈને ગયા વર્ષથી એન્ડ્યુરિલ ટેક્નોલોજીસ પ્રા. લિ. નામની એક કંપનીએ આઇઆરસીટીસીના સાથમાં, રેલવે રિઝર્વેશનમાં માટે પણ કેશ-ઓન-ડિલિવરીની સુવિધા આપવાનું શરૂ‚ કર્યું છે.

આ સુવિધાનો http://www.bookmytrain.com/ વેબસાઇટ પર અથવા એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ અને બ્લેકબેરી માટેની મોબાઇલ એપ પરથી લાભ લઈ શકાય છે.

આઇઆરસીટીસીની વેબસાઇટ ઉપરાંત બીજી અલગ અલગ ઘણી વેબસાઇટ્સ પરથી રેલવે રિઝર્વેશન થઈ શકે છે (હમણાં આઇસીઆઇસીઆઇ બેન્ક પણ આ સુવિધા શરૂ‚ કરી છે), પણ એ બધા માટે આઇઆરસીટીસી પર આપણું એકાઉન્ટ હોવું જરૂ‚રી છે. એ મુજબ, બુકમાયટ્રેનની વેબસાઇટ કે એપ પરથી રિઝર્વેશન કરવા માટે પણ આપણા આઇઆરસીટીસીના પાસવર્ડની જ‚રૂર પડશે. તેની મદદથી, બુકમાયટ્રેન સર્વિસમાં એક વાર આપણું એકાઉન્ટ ક્રિએટ કરીએ, પછી આઇઆરસીટીસી કે અન્ય વેબસાઇટ્સની જેમ જ પસંદગીની તારીખ અને ટ્રેન તથા પ્રવાસીઓની વિગતો આપીને ટિકિટ રીઝર્વ કરી શકાય છે. અંતે ફેર એટલો છે કે અન્ય સાઇટ્સની જેમ ઓનલાઇન પેમેન્ટ ઉપરાંત અહીં કેશ-ઓન-ડિલિવરીનો વિકલ્પ પણ મળે છે.

આપણી મુસાફરીની તારીખના પાંચ દિવસ પહેલાં સુધી કેશ-ઓન-ડિલિવરીનો વિકલ્પ પસંદ કરી શકાય છે. સામાન્ય ક્લાસની ટિકિટ માટે ‚રૂ ૪૦ વત્તા સર્વિસ ટેક્સ અને એસી ક્લાસ માટે ‚રૂ૬૦ વત્તા સર્વિસ ટેક્સનો વધારાનો ચાર્જ ચુકવવો પડે છે.

અત્યારે ભારતનાં ૨૦૦ શહેરોમાં આ સર્વિસ ઉપલબ્ધ છે, જેમાં ગુજરાતનાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, કલોલ, મહેસાણા, આણંદ, નડિયાદ, વલસાડ, સિલવાસા, વાપી વગેરે શહેરો સામેલ છે.

આપણે કેશ-ઓન-ડિલિવરીના વિકલ્પ સાથે ટિકિટ બુક કરાવીએ અને ઘરે ટિકિટની ડિલિવરી થાય ત્યારે લેવાની ના પાડીએ તો કેન્સલેશન ચાર્જ ચૂકવવાની તૈયારી રાખવી પડે છે.

ઓનલાઇન પેમેન્ટ જેમને ન ફાવતું હોય એમને માટે આ ચોક્કસ બહુ કામની સગવડ છે!

www.trainman.in

હવે માની લો કે તમે આઇઆરસીટીસીની વેબસાઇટ પર જઈને તમારી નક્કી તારીખે રિઝર્વેશન તો કરાવ્યું,પણ કન્ફર્મ ટિકિટ ન મળી! હવે ટિકિટ કન્ફર્મ થવાના ચાન્સ કેટલા? આપણી અગાઉ કન્ફર્મ ટિકિટ મેળવનારા લોકોમાંથી કોઈ પોતાની ટિકિટ કેન્સલ કરાવે તો આપણી ટિકિટ કન્ફર્મ થવાના ચાન્સ વધે.

હમણાં સુધી આ માટે ધારણા બાંધવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નહોતો.

પરંતુ, આઇઆઇટી રુરકીમાંથી એન્જિનીયર થયેલા મોહમ્મદ આમીર નામના ૨૭ વર્ષના એક યુવાનને વિચાર આવ્યો કે ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેનો કંઈક સ્પષ્ટ અંદાજ બાંધી શકાય તે જ‚રી છે. તેણે મશીન લર્નિંગ (એક પ્રકારનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નામની ટેક્નોલોજી કામે લગાડીને એવું અલ્ગોરિધમ વિકસાવ્યું, જે ભૂતકાળના રેકોર્ડને ધ્યાને રાખીને આપણી ટિકિટ કન્ફર્મ થવાના કેટલા ચાન્સ છે તેની ટકાવારી કહી શકે છે.

આપણે આ સાઇટ પર જઈને આપણો પીએનઆર (પેસેન્ટર નેમ રેકોર્ડ) નંબર આપવાનો એટલે એક ચાર્ટ ખૂલે અને તેમાં એ ટ્રેનમાં ટિકિટ કેન્સલેશનના અગાઉના રેકોર્ડ પરથી ગણતરી કરીને કહેવામાં આવે કે આપણી ટિકિટ કન્ફર્મ થવાના કેટલા ટકા ચાન્સ છે. ૫૦-૬૦ કરતાં ઓછા ટકા ચાન્સ હોય  તો ટિકિટ કેન્સલ કરીને મુસાફરીના બીજા વિકલ્પ વિચારી શકાય.

જો વેઇટિંગ લિસ્ટમાં બુકિંગ મળતું હોય તો ટિકિટ બુક કરતાં પહેલાં આ સાઇટ પર જઈને ટ્રેનની વિગતો, તારીખ વગેરે આપવાથી ટિકિટ કન્ફર્મ થવાના કેટલા ચાન્સ છે તે જાણી શકાય છે.

મોહમ્મદ આમીરના મતે, તેની વેબસર્વિસની આગાહી ૮૫ ટકા સાચી પડે છે.

ટિકિટ કન્ફર્મ ન થાય તો...

રેલવેમાં મોટા ભાગે દરેક ટ્રેનમાં લાંબું વેઇટિંગ લિસ્ટ હોય છે અને બીજી બાજુ ઘણી એરલાઇન્સ પ્લેનની ક્ષમતા કરતાં ઓછી ભરાયેલી સીટ સાથે ફ્લાઇટ ઉપાડે છે.

આ સ્થિતિનો લાભ લઈને, ઇન્ડિયન રેલવેએ કેટલીક લો-કોસ્ટ એરલાઇન્સ સાથે જોડાણ કર્યું છે. એ મુજબ, વેઇટિંગ ટિકિટ મેળવનારા જે મુસાફરોની ટિકિટ કન્ફર્મ ન થઈ શકી હોય તેમને રેલવે તરફથી એક ઈ-મેઇલ દ્વારા તેમની મુસાફરીના દિવસે અથવા એ પછીના દિવસે, એ જ રુટ પર કોઈ ફ્લાઇટ ઉપલબ્ધ હોય તો રેલવે ટિકિટને પ્લેન ટિકિટમાં કન્વર્ટ કરવાની ઓફર મળે છે. પ્લેનની આ ટિકિટ, રોજિંદા પ્લેન ભાડા કરતાં ૩૦-૪૦ ટકા સસ્તી હોઈ શકે છે!

મોટાં શહેરો વચ્ચે એસી ક્લાસમાં મુસાફરી કરતા લોકો માટે આ ખાસ લાભદાયી છે.

SOURCE :www.cybersafar.com